ગુજરાત રાજ્યના વન વિભાગમાં ટ્રાન્સફર પ્રક્રિયા અંગે થયેલી ગેરરીતિઓને લઈને રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, SOPનો ભંગ કરીને કેટલાક રેન્જ ફોરેસ્ટ ઓફિસરો (RFO)ને મનગમતી જગ્યાઓ પર પોસ્ટિંગ આપવાના આક્ષેપો સામે આવ્યા હતા.
સરકાર દ્વારા બનાવવામાં આવેલી SOP મુજબ વન વિભાગની ત્રણ વિંગ — નોર્મલ વન વિભાગ, સામાજિક વનીકરણ વિભાગ અને વાઈલ્ડ લાઈફ વિભાગ — વચ્ચે પારદર્શક રીતે ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમાં ખાસ કરીને એક જ વિભાગ અથવા પોતાના જ જિલ્લામાં પોસ્ટિંગ ન આપવા અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી હતી.
તેમ છતાં, કેટલાક અધિકારીઓ દ્વારા આ નિયમોનો ભંગ કરીને પસંદગીના RFOને પોતાના જિલ્લામાં જ અથવા અનુકૂળ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં ગુજરાત ફોરેસ્ટ વિભાગના Head of Forest Force (HoFF) સહિત વિભાગના નાયબ સચિવ અને અન્ય સંકળાયેલા અધિકારીઓની તાત્કાલિક બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
સરકારના આ નિર્ણયથી વન વિભાગમાં પારદર્શિતા અને શિસ્ત જાળવવા માટે સ્પષ્ટ સંદેશો ગયો છે. સાથે જ ભવિષ્યમાં SOPનું કડક પાલન થાય તે માટે પણ ચેતવણીરૂપ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ ઘટનાને લઈને વન વિભાગમાં ચકચાર મચી છે અને કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.




