ફતેપુરા શહેરના હોળી ચકલા રોડ પર બે આખલાઓ વચ્ચે થયેલી હિંસક અથડામણથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લગભગ ૧૦ મિનિટ સુધી ચાલેલા આ જંગને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને રાહદારીઓમાં ભય ફેલાયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બંને આખલાઓ રસ્તાની વચ્ચે જ એકબીજા પર તૂટી પડ્યા હતા. ઘટનાને કારણે વાહનચાલકોને વાહનો અટકાવવાની ફરજ પડી હતી, જ્યારે લોકો સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા.
સ્થાનિક લોકો અને દુકાનદારોએ પાણી છાંટી તેમજ લાકડીઓ વડે આખલાઓને અલગ પાડવાના પ્રયાસો કર્યા હતા. આખરે બંને આખલાઓ થાકીને આપોઆપ છૂટા પડ્યા હતા.
સદનસીબે, સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાને પગલે સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.




