રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ દ્વારા ઉધલામહુડા ગામ ખાતે વિશેષ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રીલ PI બી.કે. ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી, જેમાં ધાનપુર પોલીસ મથકના મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને જવાનો જોડાયા હતા. તાલીમ દરમિયાન અધિકારીઓએ મેદાનમાં આવતી વાસ્તવિક પરિસ્થિતિઓ અને કટોકટીના સમયે ઝડપી નિર્ણય લઈ તેનું નિવારણ લાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ચૂંટણી દરમિયાન ભીડ નિયંત્રણ માટે પોલીસ પાસે આધુનિક સાધનો હોવા અત્યંત જરૂરી છે. આ અનુસંધાને મોકડ્રીલ દરમિયાન પોલીસ જવાનોને ટીયર ગેસ, સ્મોક સેલ, હેન્ડ ગ્રેનેડ અને ગેસ ગન જેવા સાધનોના ઉપયોગ અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત સંવેદનશીલ પરિસ્થિતિઓમાં ઝડપી કાર્યવાહી, ગેરકાયદેસર ભેગા થનારા ટોળાઓને કાબૂમાં લેવાની રીત, મતદાન કેન્દ્રોની સુરક્ષા અને તાત્કાલિક પ્રતિસાદ માટેની કામગીરી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી મોકડ્રીલ દ્વારા દળની તૈયારીને વધુ મજબૂત બનાવવામાં આવે છે, જેથી ચૂંટણી સમયગાળા દરમિયાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ માહોલ જળવાઈ રહે.
આ પ્રસંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા સ્થાનિક સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમગ્ર કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. ધાનપુર પોલીસની આ કામગીરીથી લોકોને વિશ્વાસ મળ્યો છે કે આવનારી ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાશે.




