
પવિત્ર રંગોત્સવ ધૂળેટીના પર્વ નિમિત્તે સુખસર મુકામે સામાજિક સમરસતા અને ભાઈચારાના દ્રશ્યો સર્જાયા હતા. ફતેપુરાના લોકપ્રિય ધારાસભ્ય તથા ગુજરાત રાજ્ય સરકારના મંત્રી Rameshbhai Kataraની પ્રેરક ઉપસ્થિતિમાં સુખસર કલાલ સમાજ દ્વારા ધૂળેટી પર્વની ભવ્ય અને વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત કલાલ સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા મંત્રીશ્રીના હારતોરા સાથે કરવામાં આવી હતી. પરંપરાગત રીતે ગુલાલ અને રંગો લગાવી ધૂળેટીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ રંગબેરંગી અને ઉત્સાહભર્યું બની ગયું હતું.
મંત્રી રમેશભાઈ કટારાએ સમાજના લોકો સાથે ખભેખભા મિલાવી રંગો રમી પર્વનો આનંદ માણ્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે તહેવારો સમાજને એકતાના સૂત્રમાં બાંધે છે અને દરેક વર્ગ સાથે મળીને ઉજવણી કરવામાં જ સાચી ખુશી અને સમરસતા વસે છે. તેમણે સમાજમાં ભાઈચારો અને પરસ્પર સ્નેહ જાળવવાની અપીલ પણ કરી હતી.
આ કાર્યક્રમ કલાલ સમાજના વડીલો અને યુવા પાંખના સંયુક્ત આયોજનથી યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી હતી. મંત્રીશ્રી સાથે સેલ્ફી લઈ અને રંગોત્સવની મજા માણી લોકોએ પર્વને યાદગાર બનાવ્યો હતો. સમગ્ર સુખસર પંથકમાં ભાઈચારા અને સૌહાર્દનો સુગંધિત સંદેશ પ્રસરી ગયો હતો.



