દેવગઢબારિયા (દાહોદ):
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા શહેરમાં સમસ્ત કોળી સમાજ દ્વારા ભગવાન શ્રી માધાતા પ્રાગટ્ય દિવસની ઐતિહાસિક અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. એસ. આર. હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ વિશાળ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી અંદાજે 50 હજારથી વધુ કોળી સમાજબંધુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમગ્ર શહેર ભગવાન શ્રી માધાતાની જયઘોષ સાથે ભક્તિમય અને ઉત્સવમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું.
આ પ્રસંગે ભગવાન શ્રી માધાતા સર્કલનું ઉદ્ઘાટન, પ્રતિમાનો વિધિવત અનાવરણ તેમજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા સમાજબંધુઓ પરંપરાગત વસ્ત્રો, વાજિંત્રો અને ધ્વજ સાથે જોડાયા હતા. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા લોકોમાં ઉત્સાહ અને ભક્તિનો અદભુત સંગમ જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, 1008 મહામંડલેશ્વર, આમ આદમી પાર્ટી યુવા અધ્યક્ષ શ્રી બ્રિજરાજ સોલંકી, ઇશ્વરભાઈ વાખલા, ઉમેદભાઈ પટેલ, દિનેશભાઈ કોળી સહિત સમાજના અગ્રણી આગેવાનો, વડીલો અને યુવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા ભગવાન શ્રી માધાતાની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ ઐતિહાસિક અવસરે સમાજમાં સુધારણા લાવવાના મહત્વપૂર્ણ નિર્ણયોની પણ જાહેરાત કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ મંચ પરથી આહ્વાન કર્યું હતું કે સમાજમાં ચાલતા કુરિવાજોનો ત્યાગ કરી, વ્યસનમુક્ત જીવન અપનાવવામાં આવે તેમજ સમાજના સર્વાંગી વિકાસ માટે 16 નિયમો અમલમાં લાવવામાં આવશે. આ નિયમો દ્વારા શિક્ષણ, સ્વચ્છતા, શિસ્ત, એકતા અને સામાજિક સમરસતા વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વીર ભગવાન શ્રી માધાતા કોળી સમાજના ઇષ્ટદેવ તરીકે પૂજનીય છે અને તેમની શૂરવીરતા, ત્યાગ અને બલિદાન આજે પણ સમાજને પ્રેરણા આપે છે. તેમની જીવનકથા પરથી પ્રેરણા લઈ યુવાઓને સકારાત્મક દિશામાં આગળ વધવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શાંતિ અને વ્યવસ્થાનું યોગ્ય સંચાલન કરવામાં આવ્યું હતું. સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક વ્યવસ્થા, પાણી વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાની ખાસ કાળજી લેવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થતા આયોજકો અને સમાજના આગેવાનો દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
દેવગઢબારિયામાં યોજાયેલી આ ઐતિહાસિક ઉજવણી કોળી સમાજ માટે એક યાદગાર પ્રસંગ બની રહી છે, જેમાં શ્રદ્ધા, એકતા અને સામાજિક જાગૃતિનો સંદેશ સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગયો છે.



