દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં આવેલ સુખસર કૃષિ શાળામાં પીએમશ્રી ગુજરાત રંગોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, જેના સાથે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ સર્જાયો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી શ્રી શંકરભાઈ અમલીયાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સુખસર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરેશભાઈ કટારા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી કો-ઓર્ડીનેટર ફતેપુરા, પ્રાથમિક શિક્ષણ ઘટક સંઘ ફતેપુરાના અધ્યક્ષ, પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ફતેપુરાના અધ્યક્ષ તથા સુખસરના સી.આર.સી કો-ઓર્ડીનેટર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને નૃત્યો રજૂ કરવામાં આવ્યા, જેને હાજર રહેલા મહેમાનો તથા દર્શકો દ્વારા ખુબ જ સરાહના મળી હતી.
આ કાર્યક્રમમાં સુખસર ગામના વડીલો, આગેવાનો, માતાઓ-બહેનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો.




