
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 2666 ગ્રામ પંચાયતોના ઈ-ખાતમુહૂર્તનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ અંતર્ગત દાહોદ જિલ્લાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સુખસર તાલુકાના હનુમાન મંદિર ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યકક્ષા મંત્રી શ્રી રમેશભાઈ કટારાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી હતી. સુખસર કૃષિ શાળાની બાલિકાઓ દ્વારા મનમોહક સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું તેમજ શાબ્દિક સ્વાગત પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે દાહોદ જિલ્લાના ભાજપ સંગઠન મંત્રી શ્રી શંકરભાઈ અમલીયારે પોતાના ઉદ્બોધનમાં પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓનો લાભ લઈ ખેડૂતો ખેતી દ્વારા આત્મનિર્ભર બની શકે છે. આપણે બધા ખેડૂત છીએ, તેથી સરકારની દરેક યોજના નો યોગ્ય લાભ લેવો જોઈએ તેમ તેમણે જણાવ્યું.
રાજ્યકક્ષા મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ પોતાના ઉદ્બોધનમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે દાહોદ જિલ્લાના વિકાસ માટે અત્યાર સુધીની સૌથી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગ્રામ પંચાયતોના નિર્માણથી અગાઉ તાલુકા સુધી જવું પડતું કામ હવે પંચાયત સ્તરે શક્ય બનશે અને દરેક પંચાયત સુવિધાસભર બનશે. સાથે જ તેમણે પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી અને ખેડૂતોને મળતા વિવિધ લાભો વિશે પણ માહિતી આપી.
આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના ભાજપ સંગઠન મંત્રી શ્રી શંકરભાઈ અમલીયાર, ભાજપ મંત્રી શ્રી રમેશભાઈ કટારા, ફતેપુરા તાલુકા પ્રમુખ શ્રી ભરતભાઈ પારગી, સંજેલી તાલુકા પ્રમુખ સહિત દરેક તાલુકામાંથી પધારેલા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ સુખસર મામલતદાર શ્રી આર. વી. ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, જિલ્લા વહીવટ તંત્રના અધિકારીઓ તથા તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સુખસર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નરેશભાઈ કટારા, અન્ય ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, પંચાયત સભ્યશ્રીઓ તેમજ ગામના આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુખસર પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી એમ. એચ.દામા સાહેબ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્તિત રહ્યા.



