દાહોદ એલ.સી.બી. દ્વારા ગુજરાત–મધ્યપ્રદેશ બોર્ડર નજીક મોટી પ્રોહીબિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી. અસારીની સૂચના તેમજ દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ખંગેલા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક ભારતબેન્ઝ ટ્રકમાંથી દારૂ અને બીયરનો વિશાળ જથ્થો ઝડપાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ટ્રક નં. RJ04GD1529 માં ડાંગરના ભુસા ભરેલા થેલાઓની આડમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવતા એલ.સી.બી. ટીમે તાત્કાલિક ટ્રકને કોર્ડન કરી વિગતવાર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ તેમજ બીયર મળી આવી હતી, જે ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઠાલવવાની યોજના હતી.
આ કાર્યવાહીમાં પોલીસે ટ્રક ચાલક રાજસ્થાનના છોગારામ બિશ્નોઈને ઝડપી પાડી તેની પૂછપરછ શરૂ કરી છે. આરોપી સામે કતવારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સમગ્ર દારૂ હેરાફેરીના રેકેટ અંગે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. ૨.૦૪ કરોડથી વધુનો પ્રોહીબિશન મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં વિદેશી દારૂ, બીયર તથા ટ્રકનો સમાવેશ થાય છે. આ મોટી કાર્યવાહીથી સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ હેરાફેરી કરનાર તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે માટે આવનાર સમયમાં પણ આવા ચેકિંગ અને કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે. કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.



